Wednesday, 5 April 2017

મોક્ષ, હશે કયારેક...


મોક્ષ, હશે કયારેક પૂર્ણ સિદ્ધી
પૂર્ણયોગે ખેડી એથી ઊર્દ્વે કેડી
ખોદ્યો મુકામ જ્યાં સાચી મુક્તિ
વિદિત હવે, વિલોમતી ન તત્વગતિ.

જરૂર! એ પડાવ અગત્ય જરૂરી
સ્વવિલોપન ને શૂન્ય અવકાશી
રિક્ત વ્યક્તિત્વ, તદ્રુપ, ખાલી
રચે ફરતે ફક્ત આભાસી ક્યારી.

આરંભાય તત્ પશ્યાત જ, ખરી
એક એક છૂટે અશુધ્ધ ગૂંથણી
નવેસરથી ઊદ્ભવે સત્ય બાંધણી
મુક્ત, સાયુજ્યીક, દિપ્ત, અર્પિત.

'મોરલી', નખશીખ નરી દિવ્ય ભોગી
સક્રિય જીવન મહીં પણ દિવ્યલક્ષી
દિવ્યતા શ્વસતી દિવ્ય સંમ્મિલિત
મોક્ષપિંજર-મુક્ત, નવવ્યાખ્યાયિત મુક્તિ.


મોક્ષ...

હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક આગવું સ્થાન ધરાવે છે. પૌરાણિક ગ્રંથોએ એને જીવન ધ્યેય, જીવનસિદ્ધી, અંતિમ મુક્તિ, પ્રભુપ્રાપ્તિ સાથે જોડી સવિશેષ, સમજાવ્યું છે.

હકીકતે, કંઈક દશકો પહેલાં સુધી, આ અફર સત્ય બની રહ્યું હતું...અને સન્માનનીય હજી પણ છે.

પણ કદાચ, અંતિમ મુક્તિનો પડાવ ન કહી શકાય.

મોક્ષ એટલે જીવમુક્તિ, જીવન-મરણનાં આવાગમનમાંથી...જીવનનો ભાર અને બોજ દર જન્મે નવેસરથી જીવવામાંથી...જન્મ દર જન્મ એ જ ચક્કરમાંથી પસાર થવામાંથી...

પણ અહીં તો નવપથ સુગમ્ય છે, દિવ્યચરણે અર્પણ થયેલો અને દિવ્યતાને વરેલો...

પૂર્ણયોગ દ્વારા, એનાં પ્રણેતાઓએ એ સિદ્ધ કરી લીધું છે અને એમનાં પગલે કંઈક સાધકો એ પણ!


આધ્યાત્મને નવજીવન આપીને એને પણ ખરી ખરી મુક્તિમાં મુક્ત કરીને. શૂન્ય, સમાધિ, ત્યાગ, વૈરાગ્ય, પીડા, રુદનને જીવન ન બનાવતાં, જીવન અભિગમનો પ્રગતિશીલ હિસ્સો બનાવીને...

એ દર ઘટક, પડાવ કે ભાવને ચેતના સાથે જોડી, ચેતનામય કરી, ચૈતન્ય ને ચિન્મયમાં પલટાવીને...

એનાં પરિણામ રૂપે,
બ્રહ્મરંદ્ર છેદી ને પણ મનુષ્યદેહ જીવંત હોય છે. સામાન્ય જીવનમાં જ, આધ્યાત્મ વણીને જીવી શકે છે. દેહતત્વો એને અનુમતી આપે છે. એમાં શ્વસતું હવે વ્યક્તિત્વ નહીં પણ અસ્તિત્વ હોય છે. વૈશ્વિક ચેતના અને ઊર્જાને દેહસ્થ કરી સાતત્ય ભરી દિવ્ય ચેતના સાથે જીવન પૂર્ણ કરી શકે છે અને ભાવિ જન્મો દિવ્યઊદ્દેશ સમર્પિત જીવવા માટે સ્વેચ્છાએ સંમતિ આપી શકે છે.

આત્મવિલોપન નહીં, આત્મવિકાસ દ્વારા વૈશ્વિક-આત્મન શુદ્ધિ...

અદ્ભૂત પ્રભુ..

પ્રણામ...

- મોરલી પંડ્યા 
એપ્રિલ, ૨૦૧

Flower Name: Delphinium
Larkspur
Significance: Soaring
Take your flight towards the heights.

No comments:

Post a Comment