Saturday, 11 January 2014

પ્રભુ, તમને અર્પણ કરેલુ

પ્રભુ, તમને અર્પણ કરેલુ ક્યાં એળે જાય છે,
આધાર પક્વ થતા બેવડું-બહોળું થઈ ફેલાય છે,
તમારી કૃપા તો છે અવિરત-અનંત,
મગજથી એને ક્યાં સમજાય  કે પહોંચાય છે….

તમે આપેલું ક્યાં પાછુ કે કોઈનું થાય છે,
ડહાપણ સાથે પચે ને અસ્તિત્વ માં ઝીલાય છે,
તમારી કૃપા તો છે અવિરત-અનંત,
સમય પહેલાં એનેય ક્યાં સમજાય કે પહોંચાય છે….

તમારા આપેલા આ શબ્દો ક્યાં વ્યર્થ લખાય છે,
હ્રદયમાંથી ઊગે ને નમ્રભાવથી સ્વીકારાય છે,
તમારી કૃપા તો છે અવિરત-અનંત,
અહોભાવ વગર એનેય ક્યાં સમજાય કે પહોંચાય છે….

પ્રભુ, તમારી મરજી વગર કશુંય ક્યાં મેળે થાય છે,
તમ સાથ છે તો આ, આ ઘડીમાં જીવાય છે,
તમારી કૃપા તો છે અવિરત-અનંત પ્રભુ,
આ અમૂલ્ય ક્ષણમાં, અંતરતમનો આભારમોરલીને સમજાય છે…..

          - મોરલી પંડ્યા
            જાન્યુઆરી ૧૧, ૨૦૧૪


No comments:

Post a Comment