માતાજી, મા! તારા તે શાં શાં સ્વરૂપ!
મનની ઊંચાઈની એકાગ્રતામાં અગાશીયેથી દર્શન દેતી,
ભ્રમરમધ્યમાં સ્મિત સહિત ચક્ષુથકી વાત્સલ્ય
ભરી દેતી,
ક્યારેક ક્ષણિક અસમંજસ ટાણે વેધક નજરે કેન્દ્રિત થવા પ્રેરતી!...
હ્રદય અગ્રે ભાવમાં પદ્મ આસને શક્તિ બની બિરાજતી,
જરૂર ટાણે મહી સુર્ય બની બાહ્ર પ્રાણપ્રકોપ
ઝીલાવતી,
રખેને અગ્નિ જાગે તો જ્ઞાનફુલવર્ષાથી એને પ્રકાશમાં મૂકવા સૂઝાડતી!…
ઘડીઘડીયે અર્પણ કાજે પોતાના ચરણો
ધરી દેતી,
શીશ નમાવી, એ પગલાંમાં
બધુંય પધરાવડાવી સાવ હળવી કરી દેતી,
સિંહધારીણી સદાયે અવસ્પર્શ્ય રાખી જીવન હર્યુંભર્યું સજાવતી!…
આત્રનાદે વાતાવરણમાં શુભ્રવસ્ત્ર ને વીણાધરી પધારતી,
શાંતિ-કરુણાનો ધોધ વહાવી સંપર્ક સુદ્રઢ કરાવતી,
અંત:દ્રષ્ટિ આપી અંતસ્થ
પ્રકાશના પીછાણથી માનવ સ્વરૂપ વિસ્તારતી! …
મા તો સર્વેના જીવનકાળમાં
અલગ અલગ રૂપે પ્રગટતી,
આધાર જો ખુલ્લો બને ‘મોરલી’ તો એમાં
પછી એ ભિન્ન ભિન્ન રૂપે સમાતી!
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૩૦, ૨૦૧૪
No comments:
Post a Comment