Saturday, 13 August 2016

જાગી ઊગશે...


જાગી ઊગશે એક એક બાળ!
સમય લાવશે દિવ્ય ટંકાર,
આજ મર્યાદિત દેહ બાળ,
કાલ બનશે સક્ષમ આધાર.


ભાવિ ઘડવૈયો અંદર બાળ!
શ્વાસ આજનો જરૂર અજાણ,
સમયે ભીતરે પાકશે  બાળ,
છેડા ટૂંકા છોડી દેશે ફૂત્કાર.


મહી જીવતું ઓજસ, બાળ!
તોડશે, મૂકશે પડળ પછાળ,
નવ ચૈતન્ય તારવા, બાળ,
જન્મ લે છે આત્મા પ્રભુકાજ.


દેખીતાં ભલે અબોધ બાળ!
અંશ અંદર સક્રિય સભાન,
ભૌતિક સક્ષમ થશે બાળ,
દેશે એ 'મોરલી',  દિવ્યતા પ્રમાણ.


જીવનની પરોઢનો સૂર્ય એટલે બાળ...

બાળપણ એટલે સ્ફુર્તિલો, વેગવંત, જિજ્ઞાસુ, ઊત્સુક, પિપાસુ, આત્મસ્થ સમયકાળ...

એ સૂર્યને ઊઘાડ કે ગ્રહણ, કોઈ પણ વાતાવરણ આવે છતાં ખીલીને પ્રકાશ ફેલાવવું, એનું નિર્મિત હોય.

જીવ જન્મ ધારણ કરે ત્યારથી જ એની પ્રગતિની દિશા અને દશા બન્ને નક્કી હોય. સંજોગો ગમે તે હોય, જાગ્રત આત્મા તેનો ઊપયોગ કરી, ઊર્ધ્વગતિમાં પરિણામને મૂકી શકે અને કંઈક વધુ પોતાનાં ખાતામાં જોડી શકે.

આવા નર્યા સંચિત પૂંજીવાળા જીવાત્માઓ જન્મ ધરે ત્યારે પ્રભુકરણ બની ને જ આવ્યા હોય, જન્મ્યા જરૂર જે તે સ્થળ, સંજોગ, સમાજ માં હોય.

નાનાં ભૂલકાં હોય ત્યાં સુધી માનવદેહ, અનુભવ, ગણતર, સમજ વિગેરેથી ભૌતિક રીતે મર્યાદિત હોય પણ અંદરનું વાતાવરણ ચોક્કસપણે જે તે પરિસ્થિતિમાંથી જરૂરી આત્મપોષણ લેતું હોય અને જેવો સમયનો સાથ મળે કે પૂર્ણ સ્વરૂપમાં ખીલે, ફરજકાર્યનાં મંડાણ કરે.

આ થઈ જીવન અને જન્મ ચક્રની વાત...


એક સમય એવો જરૂર આવશે જ્યારે સંપૂર્ણ માનવજાત અને સૃષ્ટિ આમ વધુ ને વધુ ખીલવા આવશે. એવાં જ આત્માઓ અને તત્વો રહેશે...હશે જેમણે પૃથ્વી ચેતનાને પોતાનાં કરણરૂપ કાર્યો દ્વારા ઝીલી હશે, પરિવર્તિત કરી હશે અને દિવ્યપૃથ્વીમાં રૂપાંતરિત કરી હશે.

દર બાળમાં દેખાતાં એ ઊજળતાં ભાવિ માટે...પ્રભુ પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૬


Flower Name: Gaillardia pulchella (Indian blanket, Blanket flower, Fire-wheels)
Significance: Successful Future
Full of promise and joyful surprises.

No comments:

Post a Comment