Wednesday, 24 August 2016

આ મલકતો આવે શ્યામ!



આ મલકતો આવે શ્યામ!
મારે આયખાને ખોળે રમવા,
આજ અષ્ટમી પધારે શ્યામ,
આ મલકતો આવે શ્યામ...


આ મધુરો લાગે શ્યામ!
મારે આંગણે ને પારણે ઝૂલવા,
સંગ અષ્ટમી મનાવે શ્યામ,
આ મલકતો આવે શ્યામ...


આ વરસતો આવે  શ્યામ!
મારે હેતને હિંડોળે મ્હાલવા,
બની અષ્ટમી પ્રસાદ એ શ્યામ,
આ મલકતો આવે શ્યામ...


આ ધન્ય જીવાડે શ્યામ!
ઊંડે આતમ 'મોરલી' વસવા,
આ અષ્ટમી બહાને શ્યામ,
આ મલકતો આવે શ્યામ...




ગોકુળાષ્ટમી...
જન્માષ્ટમી...
આઠમ...

શ્રીકૃષ્ણનાં નવેસરથી આગમનનો દિવસ. ઊજવણી જરૂર કૃષ્ણ જન્મની પણ અંદર કશું નવેસરથી જીવવાનો અવસર.

આ બધા જન્મોત્સવો અને ઊત્સવો એ જ તો છે, પુનઃનોંધણી અને તે દ્વારા અંતરમાં સચવાયેલ એ પરમરાગને નિતજીવનમાં ગાતો કરવો....

માનવસહજ છે પુનરાવર્તન! 

ફરીને ફરી કરવાનું આવે તો બધું અનુકૂળ લાગે, આપણી ઘરેડે એ પેઢીઓમાં જોયું હોય, સ્વીકાર્યું હોય એટલે વગર પશ્ને અને અપવાદે એમાં ગોઠવાઈ જવાતું હોય.




કૃષ્ણચેતના...વિશ્વો અને બ્રહ્માંડો સમાવતી!

કંઈક જૂજ જ, વિરલાઓ ઈતિહાસે આપણને ઓળખાવ્યાં છે જે એને ધારણ કરી શક્યાં છે. એ દ્વારા બક્ષતાં આનંદ, પ્રેમ, શાંતિ, પ્રકાશ માટે જે ઊચ્ચકોટિનાં આધારની યોગ્યતા જોઈએ એ પહોંચવા હજી સામાન્ય માનવજાતે સર્વાંગી વિકાસની કૂચ ચાલુ રાખવાની છે. ફક્ત મનોમય અને પ્રાણમય તત્વોની પ્રગતિ નહીં પણ છેક શારીરકચેતના દ્વારા કોષોને અભિમુખ કરવાનાં છે.

બાળસ્વરૂપ, પારણે ઝૂલતાં ક્હાને, પા પા પગલી ભરીને પૂર્ણપુરૂષોત્તમ સ્વરૂપ ધરી, માનવજાતને પ્રગતિશીલ ઊત્ક્રાન્તિને રસ્તે મૂકી દીધી છે.

મઝાની વાત એ છે કે આ આખીય પ્રક્રિયા માટે કૃષ્ણચેતના પોતેજ કાર્યરત છે, માર્ગદર્શક છે, વ્યવસ્થાપક છે, ઊદ્દીપક છે અને જરૂરી પ્રમાણ પણ છે.

ગીતાનાં પુરૂષોત્તમે પોતે જ ગીતાને અતિક્રમી જવાનું બીડું ઝડપ્યું છે, અલબત્ત એ જ પંથે...એ જ સમજ અને આચરણ સાથે પણ એક નવા અંત તરફ...વધુ ગાઢ, ઢોસ, આરોહણ-અવતરણને વરેલા, દિવ્ય માનવનાં પદાર્પણ તરફ...

શ્રીકૃષ્ણને મીઠી યાદ સાથે,
"જય કન્હૈયા લાલ કી..."

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Clitoria ternatea (Blue pea, Blue vine, Butterfly pea, Pigeon wings, Mussel-shell creeper)
Significance: Krishna’s Light in the Senses
A first step towards transformation.

No comments:

Post a Comment