Sunday, 28 August 2016

હે આત્મા, જોઈ તેં...


હે આત્મા, જોઈ તેં, કંઈક ભવોની સવાર!
હાથ પકડી લઈ ચાલ, આ ભવની પેલે પાર...

શીખી, વીંટી છે તેં, કંઈક ભવ ચોપાટ!
આ હાથ પકડી લઈ ચાલ, આરપાર પેલે પાર..

ઊંડે ઊંડે ભીડી છે તેં, કંઈક ભવોની કમાડ!
હાથ પકડી લઈ ચાલ, થા કળ કૂંચી, જા પાર...

શેકાઈ, તપી શીખ્યા તેં, કંઈક ભવોનાં તાપ!
હાથ પકડી લઈ ચાલ, છાંયે છાંયે વાટ પાર...

વિકસતું મેળવ્યું તેં, ભવે પ્રભુ સંધાન!
હાથ પકડી લઈ ચાલ, કરાવ ભવબેડો પાર...

આ, અહીં આવી ઊભા, આપણે, જો સાથ સાથ!
હાથ પકડી, લઈ 'મોરલી', સંગાથે કરીએ પાર..



અસ્તિત્વનો પાયો...
મજબૂત જોડીદાર...
જન્મે જન્મે નવો દેહધારી...
એક સમય સુધી મૂક પ્રેક્ષક...

વાત માનવ આત્મા...ચૈત્યાત્માની...

વિશિષ્ટ હિસ્સો જે પ્રગતિ જાણે છે...
નિર્મિત ગતિથી વાકેફ છે...

કહો કે એ જ, જે તે જન્મજીવનમાંથી સર્વોત્તમ વિકાસ માટે ઉત્સુક હોય છે. હરણફાળ ભરવામાં સહુથી વધુ ફાળો અને ફાયદાનો શ્રેય આ ભાગને આપી શકાય.

એટલે એવું કહી શકાય કે જ્યાં સુધી માનવજીવન મન માર્ગે, પ્રાણતત્વોનાં દોરીસંચારમાં ચાલતું હોય છે ત્યાં સુધી અસ્થિરતા, અસમંજસ, મર્યાદા, લેવડદેવડ પર નિર્ભર હોય છે. માણસ પણ એથી એ હોડ, એ દોડ, એ ડરથી વીંટળાયેલો હોય છે.



યોગ્ય કેળવણી અને સમયે જ્યારે ચૈત્યાત્મા અભિમુખ થાય છે, જીવનદોર જ્યારે એના હાથમાં આવે છે ત્યારે બધું જ વહેવા લાગે છે. કશુંય અટકતું કે ઝૂટવું નથી પડતું, બધું એમ જ થવા લાગે છે કારણ કે એ જ થવાનું હોય છે.

જરૂરી છે;

એનાં અસ્તિત્વને મંજૂરી આપવી... 
એની શક્તિને વ્યક્તિએ ક્ષમતા બનાવવી...
એનાં પ્રકાશમાં દ્રષ્ટિ મૂકવી...
એની ગતિમાં સમયને જાણવો...
એનાં દિશાવિધાનમાં આચરણ તપાસવું...
એની મંજૂરીમાં પ્રભુની પરવાનગી માણવી...

પ્રણામ એ અખંડ અસ્તિત્વને...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૬

Flower Name: Canna Xgeneralis (Canna lily)
Significance: Psychic Centre
Luminous and calm, it is meant to govern the human being.

The psychic being is the soul developing in the evolution.

No comments:

Post a Comment