Thursday, 17 November 2016

ભક્તિની ભેખ...


ભક્તિની ભેખ રૂપાળી 
હેતભરી, ભુક્તિ પાકી
પ્રભુમયી કર્તવ્યધારી
ચરણે ને કર્મિષ્ઠ પ્રવાસી...

ભક્તિની ભાવ ઊજાણી
આનંદ અનુભૂતિ લ્હાણી
પ્રભુસખા સંગી સહેલી
શરણે ને નિષ્ઠ સહેલાણી...

ભક્તિની ગતિ પારખી 
સર્જનશક્તિ અવતારતી
બળ બુદ્ધિ ને પ્રભુમાની
કરણે ભક્ત ને કૃતાર્થી 'મોરલી'...


ભક્તિએ વ્યાખ્યા બદલી છે, 
પરિઘ અને આયામમાં વૃદ્ધિ કરી છે, 
જે હતું એ હાર્દ રાખી નવીનક્કોર બની છે.

દુઃખી-પીડિત તત્વોની પકડમાંથી એ પણ રૂપાંતરિત થઈ છે. 

હવે તો એ છે, સત્યવાહિની અને સર્જનધારિણી...

પ્રભુને પણ મજબૂર કરતી... 
સાદ-પોકારને પ્રતિભાવ અપાવતી પક્વ થઈ છે.

ગુણાતીતોએ, વિભૂતિઓએ, તપસ્વીઓએ, એને ધરી ધરીને વધુ ધારદાર બનાવી છે. 

એ ધારમાં;
ચૂભન  નથી પણ એકાગ્રતા છે, 
દર્દ નથી પણ સર્જનશીલતા છે, 
ખાલીપો નથી પણ પારદર્શકતા છે,  માંગ નથી પણ પ્રભૂતા છે, 
દિલગીરી નથી દિલેરી છે, 
ખોખલી નથી જ્ઞાન-કર્મમય છે, 
શૂન્યતા નથી પણ અંતર્જ્ઞાનનાં ફુવારા છે,  
ભાર નો ભરાવો નથી પણ હળવાશ છે. 
રુદન નથી પણ ઐક્યઅશ્રુવહાવ છે.



આ ભરી ભરી ભક્તિ સમર્પણની સાથી છે.  બધું અર્પણ કરી, પ્રભુને વિવશ કરતી છે. કર્તવ્યમાં રોપી આ ભવનું ભાથું ઊતારાવે અને ભવોભવની સતપોથી મસ્તિષ્કમાં ઉતારે પણ છે.

જન્મજાત, મનુષ્યને મળ્યું કશુંય એળે નથી થવા દેતી પણ યોગ્ય ઉપયોગમાં મૂકે છે, પ્રભુનાં કાલ્પનિક સાનિધ્યથી સાક્ષાત્કાર સુધી, જેતે મનુષ્યજણને લઈ જવાની તાકાત ધરાવે છે.

ગીતાજી એ ભક્તિને આખ્ખો ૧૨મો
અધ્યાય આપ્યો છે. ૧૮માં અધ્યાયમાં ભક્તિ દ્વારા પ્રભુલીન થવાની અને સમગ્રતામાં સ્થિર થવાની બાંહેધરી આપી છે.

પૂર્ણયોગ એક પગલું આગળ વધે છે અને ભક્તિને વધુ ઠોસ બનાવે છે. સાબિતીઓ આપે છે કે પ્રભુ, ભક્તલીન થાય છે, એટલે કે દેહમાં પ્રવેશે છે અને કાયમીસ્થિત થાય છે. એ એકત્વમાંથી પ્રભુપ્રમાણનાં કાર્યો મૂકે છે.

આ ભક્તિ પ્રસાદી પછી શું બાકી રહે? 
જીવ, જીવતર અને જીવન બધું જ પ્રભુ... પ્રભુ
અને
જણ, કૃતજ્ઞ પૂર્ણરૂપ...

પ્રણામ...

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Aegle marmelos
Bael tree, Bengal quince
Significance: Devotional attitude 
Modest and self-effacing, it yields remarkable fruit. 

No comments:

Post a Comment