Monday, 21 November 2016

બાળકો, આ તારાં!


બાળકો, આ તારાં! 
કંઈક દેહમાં આવ્યાં, 
કંઈક મૂકીને ચાલ્યાં, 
તું જાણે, આવ-જા આ! 

કંઈક સાથે ચાલતાં, 
કંઈક જૂજ અટવાતાં, 
બધાંય રસ્તા તારાં, 
તું જાણે, કેમ કોણ ક્યાં!

કંઈક મૂકીને, વિકસતાં, 
કંઈક લૂંટીને ભાગતાં, 
બધાંય બહાનાં તારાં, 
તું જાણે, કારણ સાચાં!

કંઈક સંધાન પામતાં, 
કંઈક વિધાન ભાંગતાં, 
બધાંય પાસાં તારાં, 
'મોરલી' જાણે, સ્વીકારવાં સારા...


સદીઓથી સંભળાતી, સમજાવવામાં આવતી વાત! 
છતાં સ્વીકારવી, એ સ્વીકારને અમલમાં મૂકી જીવવી, ઘણી અઘરી લાગે... 

એ ખાસ ક્ષણે ન તો આ શાણપણ યાદ આવે કે સાથ આપે, ન પરિસ્થિતિને સંભાળે ન બદલી શકે... 

તો શું શાણપણ, સ્વીકાર બધી કહેવાની જ વાતો? 

એ સ્વીકાર અને શાણપણ શા કામનું જે વિચાર, સમજ અને લાગણીથી આગળ ન વધી શકે! 

અહીંથી જ તો ખરું મનુષ્યપણુ શરૂ થાય.  સ્થિરતા અને સ્થિતપ્રજ્ઞતા વર્તન સુધી લાવવાની રહે. 

પરિસ્થિતિ ગમે તે હોય અને ભૂમિકા ગમે તે આવી હોય, સ્વધર્મ અને સમતા રાખી આગળ વધતાં રહે એનાં વ્યવહાર અને આચરણમાં સાચો સ્વીકાર ડોકાય. 


પરિવર્તનશીલતા તો કુદરતે પણ વહોરી છે... 
દર સર્જન જાણે જ છે કે નવસર્જન આવશે અને એનો આધાર એ પોતે જ હશે...  
પ્રત્યેક નાવીન્ય પોતાની અંદર નવતરનાં બીજ લઈને જ આવે છે... 
પળની ગતિ ભાવિની ગતિ સાથે જ જન્મે છે... 
બધું જ ક્રમમાં છે અને ક્રમવાર જ ચાલે છે.. 

મનુષ્યએ, એ 'વધ'માં જોડાવાનું હોય છે. વિરોધ વગર જોડાઈએ ત્યારે એ પ્રાકૃતિક નમનીયતા, લચીલાપણું જેતે જણમાં પણ પ્રવેશી જાય છે. અને એમ એ બ્રહ્માંડ લયનો હિસ્સો બને છે. એમાં અગણિત કણોની જેમ વહી શકે છે અને એટલે જ અસંખ્ય અનુભવોને માણી શકે છે. 

બાકી તો, બધું જ આવતું - જતું છે 
અને છતાં પણ જે તે મનુષ્ય હજી છે 
અને એટલે જ, એણે એ પ્રવાહમાં વહેતાં રહેવાનું છે. 

અગત્યનું એ છે કે 'કેટલું' કરતાં 'કેવું' જીવ્યાં... 
જિંદગીને સન્માન તો,  
પ્રભુ કદરદાન ને, 
મનુષ્ય બળવાન... 

પ્રણામ... 

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Tagetes Marigold
Significance: Plasticity
Always ready for the necessary progress.
That which can easily change its form is "plastic". Figuratively, it is suppleness, the capacity to adapt to circumstances or necessities. When I ask you to be plastic in relation to the Divine, I mean not to resist the Divine with the rigidity of preconceived ideas and fixed principles. TM

No comments:

Post a Comment