Tuesday, 1 November 2016

ચૈત્યચિત્તશક્તિ...


ચિત્ત ચેન જ્યાં પીડાદાયી, 
અર્પણથી શુધ્ધિ જ ઔષધિ .  
અંતર મધ્યે સમટો મૂકી, 
ચૈત્ય દેશે ચૈત્યચિત્તશક્તિ...

મન-મતિ-પ્રાણ દેહે ઊતરતી, 
ચૈત્યલહેર વહેતી, પ્રસરતી, 
નવા રંગ સ્તર ચડાવતી, 
ચૈત્ય ઊર્જિત ચૈત્યચિત્તશક્તિ...

વિચાર, વર્તન, ઈન્દ્રિયો કેરી
નવીન ઓપ ને નવી શૈલી, 
ચૈત્યતત્વોની ભેટ લ્હાણી, 
ચૈત્ય બક્ષી ચૈત્યચિત્તશક્તિ...

અહો, આભારી ચૈત્યહાજરી! 
નમું હ્રદયથી ચૈત્યને 'મોરલી'. 
શક્તિ સહજી સ્વરૂપે બિરાજી, 
પધારો, મૂકીએ કર્મો શાશ્વતી...


ચિત્ત...  અંતઃકરણ... 

સૂક્ષ્મદેહનો વ્યસ્ત પ્રદેશ... 
વિચારો, ભાવનાઓની અવરજવરથી ભરપૂર... 

જાણે કે રુધિરાભીસરણ કે પછી શ્વાચ્છોશ્વાસ જેવું  જ કંઈક... સતત, અવિરત, ક્રિયારત... 

બધું જ આવતું-જતું જાણે અગત્યનું... 
ઈન્દ્રિયોનું ભેગું કરેલું, જે તે ઈન્દ્રિયનાં સ્વભાવગત મેળવેલું-મોકલેલું બધું જ જમા અને એમાં રમમાણ... 

એટલે જરૂર વગરનો મેળાવડો! 

વ્યક્તિ સહેજ સભાન હોય તો પણ એનાં કોલાહલથી થાકી જાય. 

એને શમાવવાં તો જાય, પણ થાય કેવી રીતે...? 
વિચારોને નાથવા નવો વિચાર મૂકવો કે ભાવનાઓને વિચારથી દબાવવી... વળી નવો વિચાર...!! 

માણસ પાસે ત્યારે બે જ તો કૂંચીઓ હોય છે, એની સમજ પ્રમાણે... 
આ સમજ પણ તો વિચારની જ... 

વિચાર કહે છે, વિચાર! 
વિચારને વિચારતાં બંધ કરવાં કેવી રીતે?? 

સૂક્ષ્મ કે પ્રગટ એકેય દેહ પાસે જવાબ ન હોઈ શકે,  હોય તો ય સમયપૂરતો,  કાયમી નહીં. 


એને માટે વધુ સમર્થ પ્રભાવની જરૂર રહે... અર્પણમાં એ તાકાત છે. ગ્રસીને શુદ્ધ કરવાની, અગત્યનું છે કે કયાં સ્ત્રોતમાં એ અર્પિત થયું છે. 

જો એ શક્તિવત હોય તો એ ચિત્તને રૂપાંતરિત કરે,  ચિત્તશક્તિમાં... 

એ એનું કાર્ય કરે, નવી પૃષ્ઠભૂ સાથે, નવા અભિગમ સાથે... 

વ્યક્તિ જો ચૈત્યઅંશને જગાવી શકે અને એમાંથી ચૈત્યઆત્મા સુધી સંનિષ્ઠ રહે તો એ આ ચિત્તશક્તિને વધુ એક ઊચ્ચતર કોષ આપી શકે. 

જ્યાંથી સત્યપ્રદેશનાં દિવ્ય ઉદ્દેશ ભરેલાં, 
શાશ્વતકર્મો, અસ્તિત્વનાં સહકારથી માનવજાતના કલ્યાણ માટે મૂકી શકે... 

ધન્ય... ચૈત્યચિત્તશક્તિ... 

પ્રણામ... 

- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૬

Flower Name: Verbena X Hybrida
Common garden verbena, Florists' verbena
Significance:
Psychic Thoroughness
With tireless patience it works for the perfection of the being.
The psychic being is the soul developing in the evolution

No comments:

Post a Comment