જાગ્રતતા એક એક પળની
દ્રષ્ટ-અદ્રષ્ટ, બંને જગતની
પ્રત્યેક સૂક્ષ્મ અવસ્પર્શ્ય પ્રતિ
લઈ ચાલ સંધાન સાથ થકી...
મનોપ્રાણ કોષો, સ્તરો દીઠ
અદીઠી ગૂઢ સીડી, પગથી
જયાં જયાં વિહરે જીવની
લઈ ચાલ સભાન સફર ભણી...
સૂક્ષ્મ જગની સૂક્ષ્મ રહેણી
કઈ ક્ષમતા આ મનુષ્યની?
અવરજવર પણ જ્વર વગરની
લઈ ચાલ રક્ષક 'મોરલી' બની...
આભાર પ્રભુ!
હે આત્મસ્થ પ્રભુ!
તું લઈ ચાલ આગળ સઘળું,
આ માનવમનનું શું ગજું!
તારી મહોર મળ્યે જીવન સબળું.
ઝંઝાવાતોમાં અગલબગલ સઘળું!
સ્વીકાર-સહકારનું પોષણ જબરુ,
તારાં ટેકે આ જીવન મજબૂત.
ડગલે-ડગલે, નવીનતામાં સઘળું!
ચેતનાપથ પર મક્કમ પગલું,
તારાં સહારે દોડતું જીવડું.
શાંતિ-સૌંદર્યમાં વેગીલું સઘળું!
ધારણા-ક્ષમતા, બસ! બક્ષતો રહે તું,
તારાં ખોળે બાળ ‘મોરલી’ નિશ્ચિંત પોઢતું.
*ફેબ્રુઆરી, ૨૦૧૫
લે મા, ખસીને
જગ્યા કરી તારી,
ભાવ-આચાર-વિચાર પ્રદેશે
રાખવા તારી હાજરી.
હા મા, પ્રેક્ષક સક્રિય,
સમજે, જરૂર તારી
જીવન તરવાં, જીવ તારવાં,
જાણવી તારી હાજરી.
જો મા, સમજાયું,
જાત મર્યાદિત, જ્યાં કમી તારી,
કાચાં જીગરે, જીવે નાનું
વગર તારી હાજરી.
તો મા, હતું તારું,
રાખ પાસે તારી
ન ખપે આ જીવન હવે
વિના તારી હાજરી.
હાશ મા, જીવે તું,
આત્મ-મતિ-દેહ ‘મોરલી’ સંભાળી,
બધું જ તું, બસ!
તારી જ હાજરી સર્વવ્યાપી!
*ફેબ્રુઆરી, ૨૦૧૫
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી,૨૦૧૭
Flower Name: Hamelia patens, Scarlet bush, Firebush
Significance: Matter under the Supramental Guidance The condition required for its transformation.
No comments:
Post a Comment