Monday, 2 January 2017

આ સમય પણ....


આ સમય પણ કેવો સમાય છે!
ક્યાંક ક્ષણમાં જીવન જીવાય ને 
ક્યાંક જીવન આખું એ ક્ષણ માટે
આ ઊપહાસ કે વિરોધાભાસ છે?

આ સમય પણ કેવો સંધાય છે!
ક્યાંક વ્યક્તિમાં સંબંધો સચવાય ને 
ક્યાંક સંબંધ પણ વ્યક્તિ ખોવે 
આ સહવાસ કે સ્વભાવ છે?

આ સમય પણ કેવો ઓળખાય છે!
ક્યાંક ચાલતાં ઠોકરે અટકાય ને 
ક્યાંક અથડાઈને ચાલતો થાયે
આ ડહાપણ કે સાનબાન છે?

આ સમય કેવો જીવાય છે!
ક્યાંક ગતિએ પ્રારબ્ધ બંધાય 
ક્યાંય વિધી ગતિને સમાવે
આ તત્વજ્ઞાન કે ગહનચાલ છે?

આ સમય પણ 'મોરલી' 
કેવો કેવો સમજાય છે...


મનુષ્ય મન ઘણાં પરિપેક્ષો  ધરાવે છે. જે છે કરતાં કંઈક જુદું જ કે વિરુદ્ધ બનાવી શકે છે.

કંઈક બનેલું બદલી કે પલટાવી શકે છે. કંઈક હોવામાંથી એનું હોવાપણું લઈ કે મૂકી શકે છે.

અંતે તો એક સંમતિની જ જરૂર રહે છે, પોતાની સહુથી પહેલાં. 

સમય પણ ઘણું બતાવે ને સમજાવે છે. થોડામાં ઘણું કે ઘણાંમાં જરા દેખાડી શકે છે. 

સંબંધ તો વ્યક્તિથી ભરેલો હોય પણ જો સંબંધમાંથી વ્યક્તિ જ નીકળી જાય તો...


લક્ષ્યને મેળવવા આખી જિંદગી આપવામાં આવતી હોય તો ક્યાંક જીવન જીવવું એ લક્ષ્ય બનતું હોય છે.

એક ખાસ પળ જીવવા, જિંદગી ખૂવાર થતી હોય છે તો ક્યાંક પળો અર્થ વગરની આખી જિંદગી પતાવી દેતી હોય...

મન જીવાડે જિંદગી ને જિંદગી ઘડતી મન...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ડિસેમ્બર,૨૦૧૬ 

Flower Name: Clerodendrum
Significance: Belief simple and candid, does not question

2 comments:

  1. ખુબ સરસ સમજાવ્યું. ધન્યવાદ.

    ReplyDelete
    Replies
    1. કૃપા સર્જ્યા ભાવ, ભાવાર્થ અને શબ્દો...
      આભાર...

      Delete