ન ઊગે ન આથમે! તો ક્યાંની ભ્રમણ-કક્ષા?
ન ભળે ન ઉદ્દભવે! તો ક્યાં ભાવ-સરિતા?
ન સ્પર્શે ન સરકે! તો શેનાં મીણ-લિસોટા?
ન સુવાસે ન ખરે ! તો કેવી પુષ્પ-લતા?
ન ડસે ન રુઝવે! તો શાની કંટ-વ્યથા?
ન રીસે ન ઊભટે! તો કેમ પ્રીત-તાપણાં?
ન વાતે ન મૌને! તો કોણ વિરુદ્ધ, છેટાં?
ન અગ્રે ન અંતે! તો શું અધવચ-મૂંઝારા?
ન ખૂંપે ન ખૂંચે! તો ક્યાંનાં ઘાવ ઘૂંટડા?
ન તટે ન ટોચે! તો કેવાં તળ-તાળવા?
ન સંસારે ન સારે! તો કોની સ્વ-ગાથા?
ન અત્રે ન તત્રે! તો ક્યાંથી સર્વત્રતા?
પ્રકૃતિનાં અનેક રૂપ અને દરેકનો નોખો સ્વભાવ...
મનુષ્ય બુદ્ધિએ પોતાની સુગમતા માટે દરેકને બે છેડાં, કહો કે બે અગ્રિમતા વચ્ચે જે તે ને સમાવી લીધાં અને સ્વ-ભાવ બદ્ધ કરી લીધાં.
વ્યાખ્યા આપી એટલે સીમિત કરી નાખ્યાં. ઓળખનાં પરીઘ ચીતરી દીધાં. સામુહિક સમજમાં એને સ્વીકૃતિ અપાવી.
પણ શું દરેક વ્યાખ્યાયિત એટલું જ હોય છે?
પડકાર અને અનુભવનો સ્વાદ બંને એ સીમાઓમાં કેદ સમજને ખુલ્લાં દ્વાર આપે છે અને સમજની સીમાઓને વિસ્તૃત કરે છે.
જો 'આ' કે 'તે' એમ જ ગણવાનું હોય તો સમસ્તતા સુધી કેવી રીતે પહોંચી શકાય.
સર્વાંગ સમગ્રતા સમસ્તને સમાવતી હોવી રહી...નહીં તો એને પણ સર્વોપરી હજી કશુંક હોવું રહ્યું!
કુદરતને કરામત આપનાર!
સાદર...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
Flower Name: Virginia verschaffeltii
Nerve plant, Silver net plant, Silver Virginia, Silver nerve
Significance: Application
Modest but harmonious.
No comments:
Post a Comment