Saturday, 8 July 2017

શ્રી ગુરવે નમઃ ...


તસ્મૈ શ્રી ગુરવે નમઃ

પ્રથમ તે સત્ય-જ્ઞાનમયી
અખિલ બ્રહ્માંડે પ્રવર્તતી
પરમેશ સ્ત્રોત પાવનકારી
વંદન! માત સરસ્વતી...

દ્વિતીય તે આત્મન લક્ષી
ભૂખ નિરંતર પ્રગતિ ભણી
પ્રત્યેક આત્મઉત્કર્ષ કૂંચી
વંદન! અનન્ય આંતરજ્યોતિ...

તૃતીય એ શૈલી જીવની
ઘટમાળો ઘટતી ઘાટ ઘડતી
જીવનસાફલ્ય પુષ્પ ગૂંથતી
વંદન! અમૂલખ જીવનપ્રાપ્તિ...

ચતુર્થ એ તવંગર જનમદાત્રી 
સંસારથી પ્રાથમિક કેળવણી
ઓળખ પાર્થિવજન્મે બક્ષી
વંદન! માત-તાત બેલડી!

પંચમે સઘળા કર્મો કરણી
સંબંધો, શીખ ને સંસ્કાર વતી
મૂક્યાં જે ઊજળાં, 'મોરલી'
વંદન! એ સર્વે યોગદાની...


પત્યેક ગુરુજનો વિદ્યાર્થીકાળ દરમ્યાનનાં તો ખરાં જ...
એ સર્વે, એક એકને વંદન!

જીવનનાં કંઈક તબક્કાઓ દરમ્યાન કંઈક સતત દિશા માગતું ને સામે પોષણ પામતું જીવાઈ જતું હોય છે. જેનું જ્યાં જેવું ને જેટલું અનુસંધાન એટલું શીખ બની અંતરમાં પેંસી જતું હોય છે. 

એનાં જ આધારે બંધબેસતી ક્યાં તો ભૂંસતી પણ નવી શીખ નિરંતર ઘર કરતી રહે છે. 

જ્યાં જ્યાં જીવન જાગૃત છે ત્યાં બધું જ પસાર થતું, શિક્ષક છે. પોતાની રીતે કંઈક શીખ મૂકી જાય છે. જેનો અભ્યાસ જીવનપર્યંત ચાલે છે.

ક્યારેક કોઈ તબક્કે સ્વયંનાં પાઠ પણ ભણાવી જાય છે અને વ્યક્તિ એને જ પુસ્તકરૂપે ભણતો થઈ જાય છે. પછી એ મહત્વનું ગણતર બને છે. 


એટલે જ તો,

પ્રત્યેક ક્ષણ જે જીવાઈ...
જે રીતે જીવાઈ...
જે પરિણામો મૂકતી ગઈ...
એ દરેકે દરેકનું શીખ રૂપે યોગદાન...
એને વંદન!

સાદર...

- મોરલી પંડ્યા 
જૂલાઈ, ૨૦૧

Flower Name: Acacia farnesiana
Sweet acacia, Mimiss Bush, Sweet wattle, Scented wattle

Significance: Supramental Knowledge 

No comments:

Post a Comment