Monday, 14 August 2017

તિથી - તારીખ - તવારીખ સંયોગ...



શ્રીકૃષ્ણ!

યોગાનુયોગ દીધો બ્રહ્માંડને આજ દિન થકી
તિથી - તારીખ - તવારીખ સંયોગ માણે સમસ્ત સાક્ષી...

તું, તવ અવતાર ને મુક્ત ભારત ઊજવણી
શ્રીકૃષ્ણની જ અસ્તિત્વ-અવતાર-ભૂમિ જન્મજયંતી...

યુગોથી ઉજવાતી પરમેશ્વર અષ્ટમી જન્મતિથિ 
શ્રીકૃષ્ણ બક્ષે હૈયે હૈયે પરમોચ્ચ કૃષ્ણ સ્થાયી સ્થિતિ...

દિવ્યપૂર્ણતા દેહધારી શ્રીઅરવિંદ જન્મતિથિ
શ્રીકૃષ્ણ બક્ષે એ થકી, ભાવિ ભવો તણી સુવર્ણ દિવ્યવિધી...

આધ્યાત્મભિમુખ, ત્રિરંગી સ્વતંત્ર માભોમ જન્મતિથિ
શ્રીકૃષ્ણ બક્ષે માતૃભૂમિને વૃદ્ધિ, પ્રજ્ઞી,  રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ...

અદ્ભૂત સમન્વય પરમતત્ત્વ, અંશ ને સ્થાન ત્રિભેટી
શત શત નમન ઓ સુયોગ! સહભાગી અહોભાગી 'મોરલી'...


પૂર્વે પ્રકાશિત ઊજવણી અંશો ...

આ મલકતો આવે શ્યામ!
મારે આયખાને ખોળે રમવા,
આજ અષ્ટમી પધારે શ્યામ,
આ મલકતો આવે શ્યામ...

આ મધુરો લાગે શ્યામ!
મારે આંગણે ને પારણે ઝૂલવા,
સંગ અષ્ટમી મનાવે શ્યામ,
આ મલકતો આવે શ્યામ...

આ વરસતો આવે  શ્યામ!
મારે હેતને હિંડોળે મ્હાલવા,
બની અષ્ટમી પ્રસાદ એ શ્યામ,
આ મલકતો આવે શ્યામ...

આ ધન્ય જીવાડે શ્યામ!
ઊંડે આતમ 'મોરલી' વસવા,
આ અષ્ટમી બહાને શ્યામ,
આ મલકતો આવે શ્યામ...

ગોકુળાષ્ટમી...
જન્માષ્ટમી...
આઠમ...

શ્રીકૃષ્ણનાં નવેસરથી આગમનનો દિવસ. ઊજવણી જરૂર કૃષ્ણ જન્મની પણ અંદર કશું નવેસરથી જીવવાનો અવસર.

આ બધા જન્મોત્સવો અને ઊત્સવો એ જ તો છે, પુનઃનોંધણી અને તે દ્વારા અંતરમાં સચવાયેલ એ પરમરાગને નિતજીવનમાં ગાતો કરવો....

માનવસહજ છે પુનરાવર્તન! ફરીને ફરી કરવાનું આવે તો બધું અનુકૂળ લાગે, આપણી ઘરેડે એ પેઢીઓમાં જોયું હોય, સ્વીકાર્યું હોય એટલે વગર પશ્ને અને અપવાદે એમાં ગોઠવાઈ જવાતું હોય.

કૃષ્ણચેતના...વિશ્વો અને બ્રહ્માંડો સમાવતી!
કંઈક જૂજ જ, વિરલાઓ ઈતિહાસે આપણને ઓળખાવ્યાં છે જે એને ધારણ કરી શક્યાં છે. એ દ્વારા બક્ષતાં આનંદ, પ્રેમ, શાંતિ, પ્રકાશ માટે જે ઊચ્ચકોટિનાં આધારની યોગ્યતા જોઈએ એ પહોંચવા હજી સામાન્ય માનવજાતે સર્વાંગી વિકાસની કૂચ ચાલુ રાખવાની છે. ફક્ત મનોમય અને પ્રાણમય તત્વોની પ્રગતિ નહીં પણ છેક શારીરકચેતના દ્વારા કોષોને અભિમુખ કરવાનાં છે.

બાળસ્વરૂપ, પારણે ઝૂલતાં ક્હાને પા પા પગલી ભરીને પૂર્ણપુરૂષોત્તમ સ્વરૂપ ધરી, માનવજાતને પ્રગતિશીલ ઊત્ક્રાન્તિને રસ્તે મૂકી દીધી છે.

મઝાની વાત એ છે કે આ આખીય પ્રક્રિયા માટે કૃષ્ણચેતના પોતેજ કાર્યરત છે, માર્ગદર્શક છે, વ્યવસ્થાપક છે, ઊદ્દિપક છે અને જરૂરી પ્રમાણ પણ છે.

ગીતાનાં પુરૂષોત્તમે પોતે જ ગીતાને અતિક્રમી જવાનું બીડું ઝડપ્યું છે, અલબત્ત એ જ પંથે...
એ જ સમજ અને આચરણ સાથે પણ એક નવા અંત તરફ...
વધુ ગાઢ, ઢોસ, આરોહણ-અવતરણને વરેલા, દિવ્ય માનવનાં પદાર્પણ તરફ...

શ્રીકૃષ્ણને મીઠી યાદ સાથે,
"જય કન્હૈયા લાલ કી...
* ઓગસ્ટ, ૨૦૧૬


શ્રીકૃષ્ણઅષ્ટમી ઊજવણી આવી!
તારું સ્વાગત, આ પારણું ઝુલાવી.
આવો માધવ હવે, લાલજી બની,
મારો પૃથ્વી પર એક આંટો ફરી!

ઊભરાઈ ધરા તારી લીલા ધરી,
ગોવર્ધન ઊપાડો જરા રક્ષક બની!
મનઘડંત ઘોંઘાટ ખોવે સત્યવાણી!
મધુર રેલાવો પાછી સૂર વાંસળી!

વિષ વિષને જીતે એ પરિસ્થિતી!
ભ્રષ્ટસર્પને નાથો ઓ ક્હાન, ફરી!
ભસ્મિભૂત કરો સર્વ તત્વો અસૂરી,
નેસ્તનાબૂદ, સુદર્શનચક્ર ઘૂમાવી!

વર્ષે વર્ષે જન્મ ધરો ઓ કૃષ્ણશ્રી!
આ ભોમને ભરો તારાં જ સત્વથી.
સ્વીકારો માધવ આ કહેણ જરી!
તવ ચેતના ધરવા સજ્જ છે સૃષ્ટિ!

શ્રીકૃષ્ણ કનૈયાલાલ ની જય...

'મોરલી' વંદન પ્રભુ...
* સપ્ટેમ્બર ૪, ૨૦૧૫


ગોવિંદ, માધવ, વાસુદેવ, કાનુડો, હરિ,
શ્રીકૃષ્ણ, પ્રભુ વિષ્ણુ, ઓ સર્વસ્વ!
તમ રૂપો સંગે નામ વિવિધ…

લીધાં સર્વે અવતાર, યુગે યુગે વિભિન્ન,
કૃષ્ણલીલા અદ્વિતીય, મનુષ્ય-ધર્મ કાજે,
સદીઓથી પ્રચલિત…

રુક્ષ્મણી, રાધા, ગોપી, મીરાં -
દરેક સંબંધ, પ્રેમ-ભક્તિ અતિરિક્ત,
વ્રજ, ગોકુળ, મથુરા, દ્વારકા -
દરેક ધરતી તમથી પાવન-પુણ્યશીલ…

ભક્તિ જે ધરે, બાળ, શ્રીનાથ કે
પુરુષોત્તમ કેરી,સાચી, ચોખ્ખી,
તેં માન્યો જેને સુદામો, એના ભવોભવ
મજબૂત,ભરપૂર ને સુનિશ્ચિત…

હે પ્રભુ! હે શ્રીકૃષ્ણ! તમ પારણું
આજ ઝુલાવે વિશ્વ, ‘મોરલી’ પ્રફુલ્લિત!
ને સ્વીકારો પ્રસાદ અષ્ટમીનો - પંચાજીરી, 
પંચામૃત, સંગે મુજ પ્રેમ સમર્પિત …
* ઓગસ્ટ ૧૬, ૨૦૧૪

સાદર...

-મોરલી પંડ્યા  
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Plumbago auriculata
Cape leadwort
Significance: Krishna’s Ananda
Manifold, abundant and so full of charm

No comments:

Post a Comment