વિચાર એટલે અદ્રશ્ય જગતની અજીબ, વિલક્ષણ હસ્તિ!
મનપ્રદેશમાં હરતીફરતી સતત મહેમાન રહેતી...
ગમતી-વ્હાલી, નાની-મોટી સતત એ બસ! ભમતી!
ગણ-ગણ-ગણ-ગણ, વગરવાણીનો સંવાદ સમાંતરે રાખતી...
સંમતિ મળતાં વ્યક્તિપાસુ બની અંદર ઘૂસી જીવી બેસતી!
વગર પ્રયત્ને અસંખ્ય માત્રામાં હંમેશા મંડરાતી...
વ્યસ્ત, કર્મશીલને સુઝ-બૂજ ને દિશા બની પ્રેરતી,
અ-લક્ષ્ય મનને દ્રશ્ય બની ભૂત-ભાવીમાં ફેરવતી...
જો હોય નિયંત્રિત મન-બુદ્ધિ તો સર્જકનું બળ દેતી!
જો આત્મા ની મળે સંમતિ તો સ્વપ્નનું રૂપ લેતી!
ક્યાંક કરડતી, ક્યાંક મહેકાવતી, હર વ્યક્તિમાં ઉગતી રહેતી,
યોગ્ય લાગે તો અમૂલ્ય! બાકી વિનામૂલ્યે આવ-જા કરતી...
એનું પણ એક વહેતું વિશ્વ મનોમય કોષ મહી!
અનુમતિ નિર્ભર એનું અસ્તિત્વ, પણ 'મોરલી' જીવનચક્રએ નિર્ભર નહી!
- મોરલી પંડ્યા
માર્ચ ૧, ૨૦૧૪