કોનું
છે આ સંગીત! કોનું છે આ દ્રશ્ય! કોનું છે આ સર્જન!
કોણે મઢ્યું છે આ રંગ-સુગંધ, કલરવ-આકાર, પદાર્થ-પ્રવાહ ભર્યું પ્રભાત-વિશ્વ...
બારમાસી, ચાંદની, ગુલમહોર, ગરમાળો,
ચંપો, કરેણ, બોગનવેલથી
મહેંકતું આ પ્રભાત…
મોર, ચકલી, લેલા, કાબર, કોયલ, દરજીડો
બુલબુલની ઊડાઊડ હાજરી ભર્યું આ પ્રભાત…
મંદમંદ, શીતળ, સુંવાળો, સવાર સુગંધિત સ્પર્શ,
પાંદડે પાંદડે લહેરાતી આ સમીર લહેરમાં રેલાતું આ પ્રભાત…
‘ઊઠો, જાગો, ડગ માંડો’નો
પ્રેરણા સંદેશ સાથે પ્રેરક આ પ્રભાત…
પ્રભુ સર્જન,
પ્રભુ સંમિલીત,
પ્રભુ કાજે નિસદિન નવીન!
અમાપ, અવિરત ‘મોરલી’ પ્રભુ
સમર્પિત આ પ્રભાત…
-
મોરલી પંડ્યા
જૂન ૨૨, ૨૦૧૪
No comments:
Post a Comment