Saturday, 13 May 2017

આજ માતૃતત્વને પ્રણામ!


આજ માતૃતત્વને પ્રણામ!

જનનીમાં અજેય અજોડ જોડ્યું,
શિશુ જન્મવત્ આવી ઊછળતું,
અભિન્ન માતૃત્વને આભાર!

પિતામાં પાંગરતું, પુષ્પથી અંકુરતું,
મહીં મોતી સરીખું છીપમાં ઊછરતું!
અનન્ય માતૃત્વને સલામ!

મૂંગુ દરકારતું,  બીનશરતે વ્હાલતું,
ક્યાંક આશીષે ઉદ્ગારતું,  સીંચતું,
અદ્રશ્ય માતૃત્વને સત્કાર!

અહો સંજીવની! પ્રત્યેક સર્જિત અણુ 
તવ કરુણામય માતૃત્વ ભર્યું
પરમપૂરક માતૃત્વને 'મોરલી' પ્રણામ!



વંદન ઓ તવ માતૃત્વ!
ગ્રસિત એ ને એ જ ગ્રાહ્ય...
કરુણા એ ને એ જ કરુણાકર...

હા, એ માતૃત્વ તત્વ જ હોઈ શકે કે જે ફક્ત જીવ જ નહીં પણ બધાંમાં જીવન, જીવંતતા, જિજીવિષા મૂકી શકે, ખુલ્લાં હાથે વહેંચી શકે, એ ભાવ, વલણ અને ઘડતરને રોપી શકે.

બહુ સશક્ત શક્તિ પાસુ છે. કહો કે શક્તિનો પર્યાય છે. 

પ્રેમપ્રદેશનો એક મજબૂત પ્રતિનિધિ...

જરૂર માતૃપ્રેમનો કોઈ પર્યાય નથી, પણ જ્યાં માત સરીખો પ્રેમ છે ત્યાં બધે જ માતા જીવંત છે. 

એ પ્રેમ જુદા જુદા રૂપે છતો કરતો રહે છે,  
દરકાર તો ક્યારેક સંભાળ, 
વાત્સલ્ય તો ક્યાંક પ્રેમાળ હાથ...

જ્યાં જે રૂપ-વર્તનની જરૂર હોય અને એ ત્યાં પ્રદર્શિત થાય એ બધાં જ વ્યવહાર માતૃપ્રદેશનાં હોય છે.


આ સૃષ્ટિ કર્તા જ જ્યાં જનની છે તો પછી દર કણમાં માતૃત્વનો જ મૂળ ધબકાર હોય ને!

ઓ જગધાત્રી! 
ઓ જગજીવની!
રોમે કોષે રેષે કણે માતૃક...
તું જ આધાર તું જ પોષક...
તું જ ધરાતળ તું જ દ્યોતક...
તું જ પ્રદ્યુત તું જ ઉદ્દીપક...
તું જ સર્વસાર તું જ રોચક...
તુજ ચરણે તું જ ચરણવત્...
શતશત શાશ્વત નમન...

આનંદમયી...ચૈતન્યમયી...સત્યમયી પરમે...

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Origanam majorana
Sweet marjoram, Knotted marjoram 
Significance: The New Birth
Birth into the true consciousness that of the Divine Presence in us.

No comments:

Post a Comment