રહે ઝળહળતો મનુષ્ય,
બની તિમીરને આશ્ચર્ય
દેદિપ્ય ચમકતો સૂર્ય,
અંતરે બાહિરે સમગ્ર...
મન-દ્વારે દીપ પ્રાગટ્ય
અજ્ઞાન, અસત્યને પ્રશ્ન
એ અજવાળે બૂઝે દ્વંદ્વ
સર કરે દર મન-પ્રખંડ...
પ્રાણપ્રદેશે ઓજસ પ્રચંડ
ઈચ્છા-કામના યાહોમ લુપ્ત
તેજસ્વી નિરંતર પ્રયુક્ત
પ્રાણત્વે હણહણતો અશ્વ...
પ્રત્યેક કણ ચમકતા સ્ફટિક
તેજધારે પાસાદાર અક્ષજ
રોશની એકેકની કોષે સ્થિત
નમનીય દેહ જ્યોતિર્ધર...
'મોરલી', અગનશક્તિ પ્રદિપ્ત
સમસ્ત અસ્તિત્વે આમૂલ
પ્રકાશિત પ્રભુમાર્ગે તદ્રુપ
દર ડગ આવિષ્કાર! ઓ મનુષ્ય!
મનુષ્યજીવન અંધકારમાં નષ્ટ અને અગ્નિમાં ભસ્મ કરવા માટે નથી.
એનાં વિરોધી કે રોષી થઈ બળવો પોકારવા માટે પણ નથી.
એને સમર્પિત થઈ કાળુ ડિબાંગ વાદળું ઓઢી લેવા માટે નથી કે જ્વાળાઓ જણી એમાં જ ભસ્મીભૂત થવા માટે...
એ હેલી કે વેદીને એનો સમય આપી દઈ ખુદ શમી કે તપી જવાનું છે. ઠરી કે ઠરાવીને પક્વ થવાનું છે.
બાહ્ય વાતાવરણનો અનાદર નથી કરવાનો પણ એની અસરોને કાયમી પણ નથી કરવાની.
આંતરિક બળ ને સૂઝથી એ વિચાર કે ઈચ્છાનાં પ્રદેશોને પલટાવી દેવાનાં છે.
આંખ આંજતી લપેટો કે દઝાડતી જ્વાળાઓમાં સીમિત પ્રાણને હોમવાનો નથી કે જેથી સુષ્ક રુક્ષતા જીવનને રુંધે, ગૂંગળાવે...એવા ત્યાગનાં અહંમાં કચડાઈ જાય.
આંતરદિપ્તીથી સમગ્ર અસ્તિત્વને એવું તેજસ્વી કરવાનું છે કે પળ પળ આવિષ્કાર નોતરે...
નવા આયામો જીવન દીપાવે અને મનુષ્ય પોતે જ એક પ્રજ્વલિત દિવ્યબિંદુ બની રહે...
પ્રેરિત અને પ્રેરણાત્મક...
સાદર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness turned towards the Supramental Light
It thirsts for truth and will find its satisfaction only in the truth.
No comments:
Post a Comment