પ્રસિદ્ધિ, એ જ પ્રમાણ નથી
જગઅનુમતિ, અહીં દાદ નથી.
સર્વશ્રુતિ જ ઉદ્ગાર નથી
આત્મશ્રવણ બીન, ઊઘાડ નથી.
બધું જ આદર્શ તટસ્થ નથી.
વ્યાખ્યાયિત જ, પરિમાણ નથી
બધું જ સ્થૂળ સપ્રમાણ નથી.
આત્મસમજ બીન, સાતત્ય, નથી.
સિદ્ધિ જ અંતિમ પડાવ નથી.
સૂક્ષ્મ-દર્શન, અહીં આભાસ નથી.
અંતઃસ્થિત, બાહ્ય-અનાદર નથી.
'મોરલી', આત્મ-ગતિ બીન, ઊદ્ધાર નથી.
પ્રચલિત અને પ્રસિદ્ધિ પાડવ હોઈ શકે, લક્ષ નહીં ...
ચળાઈને નીકળ્યા પછી, એ ઠાલાં પળવારનાં વચનોમાં થોડું હંમેશને માટે રહી શકાય?
આ વીંધાવાની વિધી અંતે તો આત્મસ્થ કરવા માટે હોય છે. જેટલી વાર અધવચ્ચે અટકી ગયાં, અટવાઈ ગયાં, વસી ગયાં એટલીવાર એ થાક્યા વગર નવેસરથી શરૂ કરી આપે છે.
દુન્યવી આટાપાટામાં વ્યસ્ત માણસને કયાં એવી સભાનસમજ અને નિરીક્ષક દ્રષ્ટિની જરૂર લાગે કે એ ચક્કરને તોડીને નવીનીકરણની ભૂખ લાગે?
સંમતિમાં વહેંચાયેલ સમય છે અત્યારનો!
ક્યાંક કોઈ બે-ચાર જોડાઈ ગયાં તો એ વિચાર, કળ, કર્મ યોગ્યતાની પરીક્ષામાં પાર ઉતર્યું મનાય છે.
માન્યતાઓ જરૂરીયાત કરતાં તાતી છે અને અસરો પણ ઝાઝી છે.
માન્યતાએ આપવામાં આવેલા દાયરાં કરતાં વધુ પગપેસારો કરેલો છે અને ક્યાંક તો અયોગ્ય પ્રભાવ પણ મૂકેલો છે.
કશુંક ઠોસ, નક્કર, સાતત્ય ભર્યું હોવું, થવું અને ધરવું એ આખી કંઈક જુદા જ આયામોની હકીકતો હોય છે.
એ પછી ક્ષણભંગુર નહીં સ્થાપિત હોય છે અને ત્યાંથી આગળનાં માર્ગો ખોલતી હોય છે.
આભાસ, પ્રપંચ, પરિહાસથી દૂર...
મૂળની અને ઊર્ધ્વી ગતિમાં...
પ્રણામ...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Dillenia suffruticosa
Significance: Effort towards the Truth
Should exist in all men of goodwill.
No comments:
Post a Comment