ખૂંદવું શિખર ઊંચું તો ભીતરે જડ ગૂંથી લે
એકેએક ટોચ સર કરવા અંતરે કૂંચી શોધી લે
બાહિરે કાઠુ જણાતું તેની ભીતરે રગ ખોલી લે
એકેએક ગૂંચ ઊકેલવા અંતરે સૂત્ર વણી લે
સરકે સમય પાનું તો ભીતરે વળી સમજી લે
એકેએક મંદ કે મગ્ન અંતરે ધરી ભણી લે
અદીઠું વહેતું વહાણું તો ભીતરે ચિત્ર આંકી લે
એકેએક અચંબિત, અંતરે કોર્યા રંગ ભરી લે
પડકાર ફેંકતું ટાણું તો ભીતરે ભાળ કલ્પી લે
એકેએક પગલે, અંતરે બળથી ઓપી લે
જીવન જોગું ભાથું તે ભીતરે ભૂખને પોષી લે
એકેએક શ્વાસે, અંતરે નજરાણું 'મોરલી' રોપી લે...
આંતર વિશ્વ ખૂબ સબળ હોય છે.
દોરવણી, સૂઝ બધું જ અહીં બેઠું છે.
જરૂર છે ફક્ત એનો સંપર્ક રાખવાની...
એ સંપર્કને નિયમિત રીતે મળતા રહેવાની...
એ નિયમિતતાને આદત બનાવવાની...
દરેક પશ્ન કે પરિસ્થિતિનું ત્યાં જોડાણ છે. અસ્તિત્વ શાંત કરીને પૂછવામાં આવે તો ખરી ખરી દોરવણી ત્યાંથી મેળવી શકાય છે.
સૂચક સંકેતો કે ધરપતમાં સંમતિ દ્વારા, એ ચૂપચાપ સમજાવી શકે છે.
ભલભલી ગૂંચ ઊકેલી શકે છે કે વિખરાયેલને ગૂંથી આપે છે. જરૂર છે સતતપણાની...
થોડા હટીને હંમેશાં નીહાળવું ને સંપર્ક પાછો તાજો કરી શાંત રહેવું...પછી જે વર્તનમાં આવે એ, પેલી પ્રતિક્રિયા કે જે પાછળથી અજંપો આપે તેનાં કરતાં ઘણે અંશે પક્વ હોય અને પોષક પણ!
આંતરજાગૃતિ એ બાહ્ય પ્રવૃત્તિનો પ્રકાશ બની શકે અને ગણતરનો પુરવઠો પણ.
મૂંગુ મૂંગુ ઘણું સંચિત થતું હોય છે જે સમજાયેલું હોય છે. નિષ્કર્ષો બની વસી ગયું હોય છે.
તદ્દઉપરાંત જ્યારે એ જાગૃતિ, જીવંત હાજરીમાં પરિવર્તિત થાય ત્યારે તો એ વધુ વિશ્વસનીય બનતું જાય છે.
ખુદથી ખુદને ખુદનો સંપર્ક...
સાદર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Martynia annua
Unicorn plant, Devil's claw, Elephant-risk, Proboscis flower
Significance: Regularity
Indispensable for all serious accomplishment.
To be able to be Regularity is a great force, one becomes master of one's movement. SA
No comments:
Post a Comment