ગમે ત્યાં હોવ
પણ 'ત્યાં' હોવ છો.
કંઈપણ કરતાં હો
પણ 'ચરણો'માં હોવ છો.
ગમે તે બોલાય
પણ 'એ' જ સાંભળો છો
ગમે ત્યાં ગમે તે
પણ એને જ સંભાળો છો.
ગમે તેટલાં વ્યસ્ત
'એ' જ સ્મરો છો
ગમે ત્યાં પ્રવૃત
પણ 'એનાં' જ સ્મરણમાં છો.
ગમે તે થાય
'એ' જ અગ્રેસર રાખો છો
ગમે તેનાથી અનુભવાય
પણ 'એની' જ અગ્રિમતામાં છો.
ગમે તે જરૂરી
'એ' જ આવશ્યકતા છો
ગમે તે અનાવશ્યક
'આવશ્યકતા'માં જ જુઓ છો.
ગમે તે પળ પ્રસંગ
'એની' જ ઘડી જીવો છો.
ગમે તેવી ઘડાઈ
'મોરલી' એની જ દીધી છો.
સક્રિય સંધાન, જાગ્રત સંનિધિ પછી સ્મરણ કરવાનું ક્યાં રહે...
એ તો થઈ જાય...
થયા કરતું હોય...
સ્વીકૃતિ અહીં પરસ્પરની અપાઈ હોય...
એક પક્ષ ભલે માનવીય ન હોય પણ શ્રદ્ધા, નિષ્ઠા અને પ્રેમમાં એ અદ્રશ્ય સથવારો જાણે બીજા પક્ષ સાથે જડાઈ ગયેલો હોય...
અવલંબન અને અનુસરણ ખોખલું નહીં પણ સામે જવાબદારી ઊપાડતું હોય એ સાથ ને સાથીદારીને નવાજતું હોય...
પરસ્પરનાં સન્માનમાં પોતપોતાનું હોવું પૂર્ણતા મેળવતું હોય...
એ જ જ્યાં સંદર્ભ બની ગયો હોય ત્યાં પછી પ્રયત્ન કે રણનીતિ થોડી રહે!
એ સ્વયંભૂ સહજ સ્થિતિ બની રહી હોય.
ઊઠતાં જાગતાં કે કોઈપણ ક્રિયામાં પરોવણી એથી જ હોય...
એ જ પ્રભાવી વિચાર, ભાવ ને સંવેદના બની રહે...
એક સઘન, ઘટ્ટ વાતાવરણ રચાયું હોય...
એ જ ખોરાક અને આત્માને પોષકતત્વ દેતું હોય...
પાચક કોષો પણ એનાં જ દ્રવ્યે પચાવતાં હોય અને તૃપ્તિનાં ઓડકાર પણ અહીંથી જ નીકળે...
સથવારી જયાં પ્રભુસાથની હોય પછી,
આખેઆખું સંયોજનમાં ચાલતું, સાબદું તંત્ર...
જય હો!
સાદર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૭
Flower Name: Plumbago auriculata Alba'
Cape leadwort
Significance: Presence
It is the Divine Presence that gives value to life. This Presence is the source of all peace, all joy, all security.
No comments:
Post a Comment