મા! દર ક્ષણ કાર્ય તારું
તું જ સુઝાડે રસ્તો;
સુરક્ષિત, પહોળો
ને પરિણામ સ્પષ્ટ દેખાડે...
આ આંખ મીચીંને ચાલું
બસ! પૂર્વવિચાર છેદીને આગળ વધું
ને માર્ગ બનતો ચાલે...
આ ચકાસણીની ટેવ સુધારું
‘થવાનું હોય તો થશે જ’ એટલે આમ જ નીકળી પડું
ને બીજા વિચારો-ભાવો પડતા મૂકાવે...
આ ડગ-ડગ ધીમા,
સંભાળથી મૂકું
ક્ષણિક અસમંજસ! અચાનક કંઈક આવતું-પ્રગટતું
પુરાવો બનીને
ને બોલી કે બતાવીને ધરપત અપાવે...
આ લાગતી ખરબચડી કેડી કાપું,
એકદમ ત્યાંતો બહોળો,
સમથળ, સુવ્યવસ્થિત માર્ગ જાણે
વર્ણન સાથે દિશાસૂચન
ને નિર્ધારિત લક્ષ્ય સ્પષ્ટ થતું દેખાડે...
આ કેળવાતું જણ! મા! આ બધું લો મૂક્યું,
‘મોરલી’ એ ચાર-દસ નહીં, અનંતગણું ચારેદિશામાં
વધતું
ને બસ! અવિરત;
હવે તો, આવે...
આખા અસ્તિત્વના હ્રદયમાંથી પ્રણામ,
આભાર!
-
મોરલી પંડ્યા
માર્ચ ૩૦,
૨૦૧૪